મારી માટી મને બોલાવે છે...


*શીર્ષક* :- મારી માટી મને બોલાવે છે...

******************************

એક નાનકડા ગામમાંથી આવીને મુંબઈમાં વસેલા એક જાણીતા ઉદ્યોગપતિનું ઇન્ટરવ્યુ ચાલી રહ્યું હતું. રિપોર્ટર તેમને ઘણાં બધાં પ્રશ્નો કરી રહ્યો હતો અને તેઓ બધાં પ્રશ્નોના ખૂબ જ સારી રીતે જવાબ આપી રહ્યાં હતાં. અંતે રિપોર્ટરે એક પ્રશ્ન કર્યો તેમાં એણે પૂછ્યું, "સર, તમે સફળતાનાં બધાં શિખરો સર કર્યાં છે, ઉદ્યોગની દુનિયામાં તમારું એક આગવું નામ છે, તો મારો પ્રશ્ન એ છે કે શું આવા વ્યક્તિને પણ કંઈક વસ્તુની ખોટ લાગે છે? એવું શું છે જેની તમને સદંતર ખોટ સાલે છે?"


રિપોર્ટરના આ પ્રશ્નોનો ઉદ્યોગપતિએ જવાબ આપતાં કહ્યું, "તમે જ કહ્યું તેમ હું સફળતાના સાતમા આસમાને છું, તો મને કઈ વસ્તુની ખોટ હોવાની! હસતાં હસતાં તેમણે આગળ જણાવ્યું, મને કોઈ વસ્તુની ખોટ નથી હું મારા જીવનમાં ખૂબ જ ખુશ છું" અને ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું.


ઇન્ટરવ્યુ તો પૂરું થઈ ગયું પરંતુ રિપોર્ટરનો પ્રશ્ન ઉદ્યોગપતિના મનમાં સદંતર ચાલતો રહ્યો. તેમણે મનમાં વિચાર્યું કે સાચે જ કંઇકની તો ખોટ સાલે છે, પરંતુ મને સમજાતું નથી કે તે વસ્તુ શું છે? થોડા સમય બાદ ઉદ્યોગપતિ કામસર પોતાના ગામમાં ગયાં, જેને તેઓ ઘણાં સમયથી કોઈ ને કોઈ બહાના હેઠળ ટાળતાં હતાં. પરંતુ આ વખતે જાણે કે તેમને કોઈ અંતરની લાગણીથી બોલાવતું હોય તેવું લાગતું હતું. તેથી તેમનું કોઈ પણ બહાનું ચાલ્યું નહીં અને અંતે તેમણે પોતાના ગામ જવું જ પડ્યું. ગામમાં જતાં તેમને એક અનેરો આનંદ અને સંપૂર્ણતાની લાગણી અનુભવાઈ. ત્યારે અચાનક રિપોર્ટરનો પ્રશ્ન તેમના મનમાં ફરી ગુંજી ઉઠ્યો જેના જવાબમાં તેમણે પોતાને કહ્યું, *"મને મારી માટીની ખોટ સાલે છે.* બધું હોવા છતાં આ સંપૂર્ણતાની લાગણી મેં ક્યારેય અનુભવી નથી. પરંતુ, અહીં ગામમાં, મારી માટીના ખોળામાં હું આવ્યો છું ત્યારે મને એક અલગ જ ખુશી મળી છે. કદાચ ધરતીનો સાદ જ હશે જે મને બોલાવતો હતો અને હું હંમેશા અવગણતો હતો. આજે એ સાદને સાંભળીને અહીં આવ્યો છું તો ખબર પડી કે જીવનમાં ગમે તેટલાં મોટા માણસ બનીએ, ગમે તેટલાં સફળ થઈએ, પણ જો ધરતીના સાદને અવગણીએ તો ક્યારેય સફળતાનો અને સંપૂર્ણતાનો આનંદ ન માણી શકીએ."

✍️ સોનલ ટેલર 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સંતોષ- વાર્તા

ગઝલ - બહાર નીકળવું પડે...

પાંચમો દીવો - આત્મવિશ્વાસ