જીવનની સાર્થકતા
રચના...
"સ્નેહ, પ્રેમ, લાગણી, ભાવના બધા પ્રેમના પર્યાય. એક કુણી લાગણી; જે વ્યક્તિ અનુભવે ત્યારે જીવન જીવવા જેવું લાગે. થોડી આશા વધુ મનમાં જાગે. મન પ્રફૂલ્લિત બને, અને જીવવાની થોડી વધુ મજા આવે.
આ બધી લાગણી મેં ત્યારે અનુભવી જ્યારે મારા જીવનમાં મા આવી. પહેલી વાર જ્યારે મેં ' મા' શબ્દ પાછળ રહેલો પ્રેમ અનુભવ્યો ત્યારે મને સમજાયું કે પ્રેમ શું હોય? ખાસ કરીને માનો પ્રેમ. આમ તો દુનિયામાં મોટેભાગે દરેક વ્યક્તિની મા હોય છે; પરંતુ મારા જેવા કેટલાક કમનસીબ પણ હોય છે, જેમની પાસે મા નથી હોતી. અનાથાશ્રમમાં મા ક્યાંથી હોય! જો મા હોય તો અનાથાશ્રમ નસીબમાં ક્યારેય ન આવે. મને જન્મ આપનારી મારી માને તો મેં ક્યારેય જોઈ જ નથી. પણ મને જે પાલક મા ભગવાને આપી તેથી વધુ સારી ન જ હોય શકે એવું હું માનું છું. એક સ્ત્રી મા બની શકે એટલે જે મમતા એનામાં હોય એવી મમતા દુનિયામાં બીજા કોઈમાં ન આવે. પરંતું મારી મા દુનિયાની સૌથી અલગ મા છે. મમતાનો ભંડાર છે. મારી મા કોઈ સ્ત્રી નથી. ના, મને કોઈ પુરુષ પાસેથી પણ મમતા મળી નથી. પ્રેમની પરિભાષા જે પુરુષમાં નથી હોતી જે સ્ત્રીમાં નથી હોતી એવી પરિભાષા મને કિન્નર મા પાસેથી શીખવા મળી. જે બલિદાન, જે સમર્પણ મારા માટે એમણે કર્યું છે તે કદાચ બીજું કોઈ ન કરી શકે. મને એક કિન્નરે ઉછેરી છે, જેનો મને અફસોસ નહીં પણ ગર્વ છે.
હું જ્યારે અનાથાશ્રમમાં હતી ત્યારે અમને ઘણાં કામો કરાવતાં. ખૂબ પ્રતાડિત કરતાં. ઘણી વાર તો મારતાં પણ હતાં. હું દસ વર્ષની થઈ ત્યારે એકવાર મોકો મળતાં ત્યાંથી ભાગી ગઈ. રખડતાં -રઝડતાં હું રાત્રે એક દુકાનનાં ઓટલે ઊંઘી ગઈ. ભૂખી- તરસી મને ક્યારે ઊંઘ આવી ખબર પડી નહીં. હું બીજે દિવસે ઉઠી ત્યારે બજારમાં ખૂબ જ અવર- જવર હતી. હું લોકોને જોઈને ડરી ગઈ. અને ત્યાંથી ભાગતાં- ભાગતાં હું રેલ્વે સ્ટેશન પર આવી. ત્યાં કિન્નરોની ટોળી બેઠી હતી. એમને જોઈને મને વધુ ડર લાગ્યો. ત્યારે એમાંથી એક કિન્નર જે હવે મારી મુન્ની મા છે, તે મારી પાસે આવી. મને ડરેલી જોઈને એમણે ખૂબ જ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને મને પૂછ્યું, તું કોણ છે? ક્યાંથી આવી છે? મમ્મી- પપ્પા ક્યાં છે તારા? પણ હું એમની કોઈ પણ વાતનો જવાબ શબ્દોમાં આપી શકી નહીં. બસ આંખમાંથી આંસુ સરતાં રહ્યા અને મુન્ની માની હથેળીમાં ઝીલાતાં રહ્યા. કામજોરીના કારણે હું ક્યારે બેભાન થઈ ગઈ મને ખબર પડી નહીં. ભાનમાં આવી ત્યારે મુન્ની મા ડોક્ટર સાથે વાત કરતાં હતાં. ડૉક્ટરે જણાવ્યું કે ડરનાં લીધે હું બેભાન થઈ ગઈ. અને ઘણાં લાંબા સમયથી ખાવાનું નથી ખાધું તો કમજોરી આવી ગઈ. ચિંતા કરવાની જરૂર નથી. એક - બે દિવસમાં હું સારી થઈ જઈશ. તે દિવસ છેલ્લો હતો જયારે મેં પોતાને અનાથ જોઈ હશે. ત્યાર પછી એવો દિવસ આજ સુધી ક્યારેય નથી આવ્યો. ધીમે -ધીમે હું પણ મુન્ની માને સમજવાં લાગી. મારાં માટે દુનિયામાં એ જ છે એ પણ મને સમજાય ગયું. અને તે દિવસે પહેલી વાર મેં એમને મા કહીને બોલાવી. એ શબ્દોએ જે *સ્નેહની ગાંઠ* મારાં અને મુન્ની મા વચ્ચે બાંધી તે અતૂટ થઈ ગઈ. જીવન જીવવાની, જીવનને સમજવાની, લોકોનો સામનો કરવાની મને જે સમજણ મારી માએ આપી તે મને આજે જીવનમાં અહીંયા સુધી લાવી છે.
હું આજે આ પુરસ્કાર જે મને લોકોની સેવા માટે એનાયત કરવામાં આવી રહ્યો છે, તેનો શ્રેય પૂરેપૂરો મારી માને આપું છું. હું એક ડૉક્ટર છું. એક સમાજસેવિકા છું. એન.જી.ઓ ચાલવું છું એ બધું મારી માને કારણે જ છે. જો તે દિવસે મને મા ન મળી હોત તો આજે હું આ દુનિયામાં ક્યાં હોત? શું કરતી હોત? એ વિચારીને પણ ડર લાગે છે. મારી સફળતાનો પૂરેપૂરો શ્રેય મારી માને જાય છે."
પોતાની જીવનકથા કહેતાં કહેતાં ડૉ. ચિત્રાની આંખમાંથી જે અશ્રુધારા વહી રહી હતી, તેમાં એમની મા પ્રત્યેનો પ્રેમ, અને કૃતઘ્નતા એકદમ સાફ છલકી રહ્યાં હતાં. જીવનમાં આપણે જેમને તેઓ આપણા જેવા નથી ફક્ત એ વિચારીને જે ભેદભાવ કરીએ છીએ. એ લોકો કેટલાં ઉદાર અને સંવેદનશીલ હોય શકે એ મને ડૉ. ચિત્રાની વાત પરથી જાણવા મળ્યું. અલગ હોવું એ કોઈ ગુનો નથી. એ અલગતાને તમે સ્વીકારીને તમારાં જીવનમાં શું કરો છો! એને કયા રસ્તે વાળો છો! એ જ વસ્તુ જીવનને સાર્થક કે નિરર્થક બનાવે છે. આજનો આ લેખ પેપરનાં પાને સૌથી વધુ વંચાતો હતો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો