પોસ્ટ્સ

પાંચમો દીવો - આત્મવિશ્વાસ

તમે આત્મવિશ્વાસ કેળવો. પોતાના પર વિશ્વાસ રાખો. તમે પણ અન્યની જેમ બધું જ કરી શકો છો." શાળાના નવા શિક્ષિકા સરોજબેને વિશ્વાસ દાખવતાં એક વર્ગમાં આવી વાત કરી. જેઓ વર્ગ સુશોભન સ્પર્ધામાં છેલ્લો નંબર આવવાથી ખૂબ ઉદાસ હતાં. સરોજબેનના ઘણાં કહ્યાં બાદ તેમણે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પરંતું ધારેલું પરિણામ ન મળતાં તેમના આત્મવિશ્વાસને ઘણો ધક્કો લાગ્યો હતો. આ એ વર્ગ હતો જે શાળામાં સૌથી વધુ અપ્રિય કહી શકાય. કોઈને વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી કોઈ જ અપેક્ષા નહીં. તેમના અસ્તિત્વની દરકાર સુદ્ધાં કોઈ લેતું ન હતું. આ આપણને ભેદભાવ લાગે. પરંતું આ વર્ગ હતો જ એવો. વર્ગ બાર - અ નો. નવમાં ધોરણથી એમને શાળાનાં દરેક શિક્ષક સમજાવી સમજાવીને થાક્યાં પણ એમનામાં કોઈ બદલાવ કે સુધાર થયો નહીં. હવે તો ફક્ત શાળાનાં જૂનાં શિક્ષકો ગમે તેમ કરીને તેઓ બારમું ધોરણ પાસ કરીને શાળામાંથી વિદાય થાય તો શાંતિ એમ વિચારતાં. આ વર્ગનાં વિદ્યાર્થીઓ ક્યારેય કોઈ પ્રશ્ન ન કરે. એમની મુંઝવણ કોઈને ન કહે. કોઈપણ ઈતર પ્રવૃત્તિમાં ભાગ પણ ન લે. જો શિક્ષકથી ભણાવતી વખતે કોઈ ભૂલ થાય તો અન્ય વર્ગનાં વિદ્યાર્થીઓ જણાવે પરંતું બાર - અ વાળા ક્યારેય એક શબ્...

જીવનની સાર્થકતા

રચના... "સ્નેહ, પ્રેમ, લાગણી, ભાવના બધા પ્રેમના પર્યાય. એક કુણી લાગણી; જે વ્યક્તિ અનુભવે ત્યારે જીવન જીવવા જેવું લાગે. થોડી આશા વધુ મનમાં જાગે. મન પ્રફૂલ્લિત બને, અને જીવવાની થોડી વધુ મજા આવે. આ બધી લાગણી મેં ત્યારે અનુભવી જ્યારે મારા જીવનમાં મા આવી. પહેલી વાર જ્યારે મેં ' મા' શબ્દ પાછળ રહેલો પ્રેમ અનુભવ્યો ત્યારે મને સમજાયું કે પ્રેમ શું હોય? ખાસ કરીને માનો પ્રેમ. આમ તો દુનિયામાં મોટેભાગે દરેક વ્યક્તિની મા હોય છે; પરંતુ મારા જેવા કેટલાક કમનસીબ પણ હોય છે, જેમની પાસે મા નથી હોતી. અનાથાશ્રમમાં મા ક્યાંથી હોય! જો મા હોય તો અનાથાશ્રમ નસીબમાં ક્યારેય ન આવે. મને જન્મ આપનારી મારી માને તો મેં ક્યારેય જોઈ જ નથી. પણ મને જે પાલક મા ભગવાને આપી તેથી વધુ સારી ન જ હોય શકે એવું હું માનું છું. એક સ્ત્રી મા બની શકે એટલે જે મમતા એનામાં હોય એવી મમતા દુનિયામાં બીજા કોઈમાં ન આવે. પરંતું મારી મા દુનિયાની સૌથી અલગ મા છે. મમતાનો ભંડાર છે. મારી મા કોઈ સ્ત્રી નથી. ના, મને કોઈ પુરુષ પાસેથી પણ મમતા મળી નથી. પ્રેમની પરિભાષા જે પુરુષમાં નથી હોતી જે સ્ત્રીમાં નથી હોતી એવી પરિભાષા મને કિન્નર મ...

ગરબો- કુમકુમ પગલાં

કુમકુમ પગલાં ભરતાં માડી, આવો મારે દ્વાર... હો.... માડી આવો મારે દ્વાર ફૂલડાં વેર્યા આંગણે મારાં માડી, આવો મારે દ્વાર... હો.... માડી આવો મારે દ્વાર કુમકુમ પગલાં ભરતાં... આસોપાલવનાં તોરણ બાંધ્યા ગરબો સજાવ્યો આજ, માડી કાજ ગરબો સજાવ્યો આજ હે..... માડી આવે ગરબે ઘૂમે (2) રમઝટ જામે ત્યાં જ હો.... રમઝટ જામે ત્યાં..... કુમકુમ પગલાં ભરતાં માડી આવો મારે દ્વાર ઢોલી આવ્યા, ઢોલક વાગ્યાં ઝૂમે નર ને નાર, માડી કાજ ઝૂમે નર ને નાર હે..... માડી આવે ગરબે ઘૂમે (2) રમઝટ જામે ત્યાં જ હો..... રમઝટ જામે ત્યાં.... કુમકુમ પગલાં ભરતાં માડી આવો મારે દ્વાર નવ નવ રાત છે, સખીઓ સાથ છે ઝૂમે ભૂલકાં આજ, માડી કાજ ઝૂમે ભૂલકાં આજ હે.... માડી આવે ગરબે ઘૂમે (2) રમઝટ જામે ત્યાં જ હો..... રમઝટ જામે ત્યાં.... કુમકુમ પગલાં ભરતાં માડી આવો મારે દ્વાર ફૂલડાં વેર્યા આંગણે મારાં માડી, આવો મારે દ્વાર... હો.... માડી આવો મારે દ્વાર કુમકુમ પગલાં ભરતાં...

સંતોષ- વાર્તા

જેવું ગણેશ વિસર્જન થાય કે બીજા દિવસથી જ શ્રાદ્ધનું પખવાડિયું ચાલુ. પ્રથમ શ્રાદ્ધ પૂનમનું અને અંતિમ શ્રાદ્ધ અમાસનું. મારી મમ્મી અમાસની રાહ જુએ. મારાં દાદાજીનું શ્રાદ્ધ મૂકવાનો દિવસ અમાસ છે ને! મારી મમ્મી ખૂબ જ શ્રદ્ધાળુ. ભગવાનમાં એમને ખૂબ જ શ્રદ્ધા અને દરેક ધર્મ- કર્મનાં કામમાં તેઓ આગળ પડીને ભાગ લે. પરંતું હું એમનાથી થોડી અલગ. હું ભગવાનમાં માનું પણ શ્રાદ્ધમાં માનતી નથી. કેમ કે મારું માનવું છે કે વ્યક્તિ જીવિત હોય ત્યારે જ એને કામ લાગવું, એને ખવડાવવું, એને પાણી પીવડાવવું, એનું ધ્યાન રાખવું... મૃત્યુ બાદ આપણે નથી જાણતાં કે શ્રાદ્ધમાં મૂકેલી વાનગી એમના સુધી પહોંચે જ કે કેમ? પણ મારી મમ્મી મારા દાદાનું શ્રાદ્ધ અચૂક કરે, પણ શ્રાદ્ધ મૂકવા માટે થોડી અડચણ ઉદ્ભવે. કેમ કે માન્યતા પ્રમાણે, આમ તો ઘરનો દીકરો શ્રાદ્ધ મૂકે, પરંતુ અમારા ઘરે મારા પિતા નાસ્તિક તેઓ કોઈપણ ધાર્મિક કાર્યમાં માનતા નથી અને મારે ભાઈ નથી. એટલે દાદાજીનું શ્રાદ્ધ મૂકવાનું કાર્ય મારી બહેનનું. પણ આજે બહેન કોલેજ ગઈ તેથી આજે શ્રાદ્ધ મૂકવા મમ્મીએ મને કહ્યું. દાદીમાં હંમેશાં કહેતાં કે વાસ તો કાગડાને મૂકાય અને કાગડો વાસ ખાય તો ...

તમે જોડે રહેજો રાજ

માંગું બીજું શું જીવનથી? બસ તમારો સાથ, જીવનના છેલ્લા શ્વાસ સુધી, તમે જોડે રહેજો રાજ. ચડતી પડતી જીવનની ચાલતી રહેશે ઘટમાળ, પાડશું એ પણ પાડ બસ, તમે જોડે રહેજો રાજ. હું ઝંખું એ જીવન જ્યાં સવાર- સાંજ તમારી સાથ કંટક- પુષ્પ તણાં જીવનમાં, તમે જોડે રહેજો રાજ. હું વિનવું તમને પ્રીતથી; સ્વીકારો વિનંતી તો બસ, ચોરીનાં મંડપમાં તમે જ બસ જોડે રહેજો રાજ. શું માંગું ઈશ પાસે હવે; તમે મળી ગયા એ બસ, આશિષ ઈશના સદાય સાથ, તમે જોડે રહેજો રાજ.

એક ભાવિની ઝલક મળે

જો આમ સપના સદંતર આંખને મળે, તો એ સપનામાં *ભાવિની* ઝલક મળે. હું શોધું છું જે નિશદિન સદંતર, એ ક્યાંક છુપાયેલા ખૂણા મળે. આંખને આદત ને મનમાં લાલચ જાગે, જો *ભાવિ* વિશ્વ મુજને ઇચ્છિત મળે. પાનખરને વસંત જીવનના ચક્ર સમાન, કંડારો ઈચ્છાવિશ્વ તો પાનખરમાં વસંત મળે. *ભાવિ* શું છે? એક સ્વપ્ન વિશ્વ. પૂર્ણ થાય તો મંજિલ નહીંતર અશ્રુમાં વહેતું મળે.

ભજન - શિવજીની મહિમા

શિવજીની મહિમા અપરંપાર છે....(૨) ભોળા ભક્તોના તારણહાર છે. શિવજીની મહિમા..... શિવજી પૂજાય છે ત્રણેય લોકમાં....(૨) ભોળા ત્રિલોકનાથ કહેવાય છે. શિવજીની મહિમા..... સર્પ ગળામાં ને ગંગા જટામાં....(૨) ભોળા શશિના તારણહાર છે. શિવજીની મહિમા..... નાગરાજ વાસુકિ અનન્ય ભક્ત....(૨) ભોળા ઇષ્ટદેવ બની પૂજાય છે. શિવજીની મહિમા..... ભસ્મ ચઢે છે શિવજીને ફક્ત....(૨) ભોળા સતીના પ્રેમથી રંગાય છે. શિવજીની મહિમા..... આકરા તપ કર્યા શિવજીને પામવા....(૨) ભોળા દેવીની પરીક્ષા થાય છે. શિવજીની મહિમા..... મહાદેવ ભક્તિથી પ્રસન્ન થાય તો.....(૨) ભોળા મનેચ્છા પૂરી કરી જાય છે. શિવજીની મહિમા.....

તને જ એની જાણ છે...

જીવન ક્યાં હવે કશાથી અજાણ છે! દર્દની પણ અલગ જ માણ છે. પળેપળ બદલાય તેવી દુનિયા આ, અહીં ટકી રહેવા અલગ જ તાણ છે. આંસુ સારો કે સ્મિત ફરકાવો, છોડ્યું તમો પર આ ઈચ્છા બાણ છે. ગૂંથી લેજો ધ્યાનથી જીવનના તાર, ભૂલો મા! તમો તમ જીવનના વાણ છે. હું પૂછું તને કદી નહીં હવે, હે ઈશ્વર! આયખું કોનું કેટલું તને જ એની જાણ છે.

ખલેલ પહોંચે જ ફાવશે...

આમ તો તું ચૂપ રહીશ તો પણ ચાલશે. પણ જો બોલીશ તો મનને વધારે ફાવશે. એક દ્રષ્ટિ,એક સ્મિત,એક શબ્દની તો જરૂર બસ, એકલતાની શાંતિમાં આ અડચણો વધુ ફાવશે. મનની ઉદાસી ને આંખોમાં ખાલીપો જ્યારે વ્યાપે, ત્યાં શબ્દોનો રણકાર મનને ગૂંજતું કરી બતાવશે. એક સાથ, એક હાથ, એક ઉષ્માનો ભાસ હોય, જીવવા માટે આ અંધકારમાં એક આગિયો પણ ચાલશે. સતત ગૂંજતું આ સ્થળ નીરવ શાંતિ જેવું મુજ મન, નિજાનંદ શોધી મનમાં ખલેલ પહોંચે જ ફાવશે.

નાવિક તું લઈ જા...

નાવિક તું લઈ જા મને અનંત સ્થળ સુધી, સરિતાથી શરૂ કરી સાગરના જળ સુધી. મુસાફર હું; ઈચ્છું છું મંજિલને, નાવ દોરી જા નાવિક તારી સળ સુધી. પડછાયો છે સાથે ઢળતી સાંજમાં મારી, મારગ દોરી જા આ દીવાના ઝળહળ સુધી. તરુવર ઉભા તટે વાયરો વાયો વનમાં, ઉછળતી તરંગ જોઈ મનમાં સળવળ ઊઠી. હું થાક્યો મારગમાં પણ નથી તૂટ્યો હજી, આથમતાં સૂર્યનું અસ્તિત્વ સાંજની ચળવળ સુધી.

એકલો હું...

આ નવી પ્રેમની ડગર ને એકલો હું. હાથ છે હાથમાં મારા તોય એકલો હું. દીવાની બની છે દુનિયા એક દિનના પ્રેમમાં, દુનિયાથી વિપરીત મારી ચાહતમાં એકલો હું. તને ચાહું છું પણ કદી કહી ના શક્યો, કાતિલ મારા પ્રેમનો આજ એકલો હું. પ્રેમનાં એક દિવસનાં માવઠામાં ખુશ લોકો, પ્રેમની વરસતી હેલીનો શોખીન એકલો હું. લાગણી ખૂબ મોંઘી કિંમત એક દિ'માં ન ચૂકવાય, ચાહતને જીવનભર ચૂકવનારો બસ એકલો હું. ✍️સોનલ ટેલર

ઘેલો જ ખુદાનો ખાસ હોય છે...

ન સમજ કે કોઈ આશ હોય છે. ઘેલાને ક્યાં દુનિયા રાસ હોય છે? જીવે છે એ તો મસ્તમૌલા બનીને, એટલે જ તો એ ખુદાની પાસ હોય છે. કહેવાતાં સમજદારો ને એમની સમજદારી, જરૂર પડે ક્યાં આસપાસ હોય છે? એષણામાં અંધ બની સતત દોડતો, ભૂલે કેમ? જિંદગી ઉપરવાળાની તાસ હોય છે. ચતુરાઈ, ચાલાકી, ચાલબાજીથી આંબે શ્રેષ્ઠતા, યાદ રાખ! ઘેલો જ ખુદાનો ખાસ હોય છે. ✍️ સોનલ ટેલર

જીવન રામ થઈ જાય...

વાટ જુઓ કેમ! આગળ વધો, કંઈ કેટલાંનું કામ થઈ જાય. નિ:સ્વાર્થ ભાવનું જીવન જેનું, એ જ જીવન રામ થઈ જાય. કંઈ કેટલીય આશાઓમાં માનવી ઝૂઝતો હર પળે, વિરક્ત મન જે ઈચ્છા - આશથી એ જીવન રામ થઈ જાય અયોધ્યા વસે છે પ્રભુ શ્રી રામ કોણ એ સત્યથી અજાણ? હૃદયમાં હસે જો સત્યથી તો જીવન રામ થઈ જાય. રાહ તમારી વર્ષોની જોતાં હવે થઈ છેક પૂરી, જીવન - વન ઉપવન થશે ને આ જીવન રામ થઈ જાય. પ્રભુ રહે મનમાં સ્મરણ તમારું એ જ અરજ કરું મનથી, તીરથની ક્યાં જરૂર પછી આ મુજ જીવન રામ થઈ જાય. ✍️ સોનલ ટેલર

એ ખુલ્લી બારી...

લાખો નિરાશામાં અમર આશાની જેમ એ ખુલ્લી બારી  કડકડતી ઠંડીમાં કુમળા તડકાની જેમ એ ખુલ્લી બારી  મન વમળમાં ફસાયેલું અને સતત ફસાતું દેખાય ત્યાં હાથ ખેંચી રાહ બતાવે એ ખુલ્લી બારી  મુશ્કેલી ભલે લાખો હોય, સમજાતો એક શબ્દ ન હોય હિમ્મતી પગલે આગળ વધ કહે એ ખુલ્લી બારી આવન- જાવન તો દરવાજાથી જ થાય એ વાત ખરી પણ માર્ગ જોવામાં સહાયતા કરે એ ખુલ્લી બારી  અંત સુધી વધતા રહો પદચિહ્નો નથી તો બનાવતા રહો આગળ દરવાજા ન દીઠે ત્યાં આશાનું કિરણ બનશે એ ખુલ્લી બારી  ✍️ સોનલ ટેલર 

ગઝલ - બહાર નીકળવું પડે...

 સાચી દુનિયા જોવા જ બહાર નીકળવું પડે. સમીર શ્વાસોમાં ભરવા જ બહાર નીકળવું પડે. રંગબેરંગી પ્રકાશ કયા ઘરમાં નથી મળતો? સૂર્યપ્રકાશ મેળવવા જ બહાર નીકળવું પડે. સમજ, જ્ઞાન ને જાણ કયુ પુસ્તક ઓછી આપે? મનની લાગણી સમજવા જ બહાર નીકળવું પડે. સંકોચથી મુંઝાયને ક્યાં સુધી એકલા રહેશો? પોતાને લડતા કરવા જ બહાર નીકળવું પડે. જીવન પૂરું થાય કોઈકના સહારા સાથે પણ! આત્મનિર્ભર બનવા જ બહાર નીકળવું પડે. ✍️ સોનલ ટેલર 

ગઝલ - મનને થશે શાંતિ...

તમને જોઈ લાગી હૃદયમાં એક અજુગતી શાંતિ જગત ભૂલી જવાય વારંવાર, થાય એવી ભ્રાંતિ હું સાંભળું અચાનક ક્યારેક મારું નામ તમે પોકારતા એ થશે વાસ્તવિકતા કે રહેશે હંમેશા ખોટી ભ્રાંતિ? આંખોમાં એ ઈન્તેજાર ફક્ત હવે મારો નથી રહ્યો, તમે મળીને કરશો એ એકરાર, ફક્ત એટલું જાણતી થઈ જશે હાશ! તમને, જ્યારે મને જોઈને પૂરા થયા વાયદાની, હવે મનને થશે શાંતિ. ✍️ સોનલ ટેલર 

ગઝલ - તો પછી શું?

 ફાવે તેવું મળી જાય, તો પછી શું? મળતું મનને ફાવી જાય, તો પછી શું? અઢળક પ્રયાસે પણ નિષ્ફળ ગયા કેટલાં! આમ, સફળતા સરળતાથી મળે, તો પછી શું ? પરીક્ષા મારી જ વારંવાર, વિચારે કોણ નહીં! તપાવ્યા વિના જો કુંદન બને, તો પછી શું? દ્રષ્ટિ જોઈએ શ્રદ્ધાની, પછી ઈશ્વર ક્યાં નથી! જ્યારે પથ્થર પૂજતાં દેવ બને, તો પછી શું? જીવન રણમેદાન, વાર પડે ને સામનો કરો સંઘર્ષ વિના જો જીવન બને, તો પછી શું? ✍️ સોનલ ટેલર 

બંધાઈ જવામાં ડહાપણ છે.

*શીર્ષક* :- બંધાઈ જવામાં ડહાપણ છે. ***************************** જો વાત સંબંધ સાચવવાની તો નમી જવામાં ડહાપણ છે. જો વાત ખોટી સહેવાની તો લડી જવામાં ડહાપણ છે. કાચ જેવી જિંદગી દેખાડે અક્ષ અનોખો વારંવાર, તૂટવું એની કિસ્મત આપણે સંધાઈ જવામાં ડહાપણ છે. ઝઘડા, લડાઈ, રમખાણ, તોફાનો જિંદગીના પર્યાય સમ; સમજદાર બની એ રસ્તેથી ફંટાઈ જવામાં ડહાપણ છે. દિલ દુખાઈ, હૃદય હારે, તોય શીખ્યા 'મન મોકળું રાખવું;' માફ કરીને માફી દઈને અંજાઈ જવામાં ડહાપણ છે. પર્યુષણનો તહેવાર છે ક્ષમા- યાચનાનો ખાસ વાર, મિચ્છામી દુક્કડમ કહીને ફરી બંધાઈ જવામાં ડહાપણ છે. ✍️ સોનલ ટેલર

ચાલ ફરી વરસાદમાં જઈએ...

*શીર્ષક* :- ચાલ ફરી વરસાદમાં જઈએ... ****************************** ચાલ ફરી વરસાદમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. છબછબીયાની આશમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. મનોહર મોસમનો મિજાજ મખમલી મન મોજીલું માણવા તરશે,  ચાલ ભેરુ પ્રકૃતિની ઓથમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. ચાદર ઓઢી લીલી ધરા, સોળ શ્રૃંગાર સજી ખ્વાબ સજાવે, એ લીલા ખ્વાબની રાહમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. બને સુંદરતાનો પર્યાય ધરા, કરે વર્ષાઋતુ આગમન જરા; એ સુંદરતાના સાથમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. સાંભળ! અનોખું સંગીત છે વર્ષાબુંદનું, ઈશ એનો સંગીતકાર; એ સંગીત સંમેલન સાથમાં જઈએ, પાણીના ટીપે ઘાસમાં જઈએ. ✍️ હું સોનલ ટેલર 

તું મારો હકદાર છે.

*રચના..........* તને મેળવવાની કદાચ વાર છે, મુજ પર જિંદગીનો ભાર છે. ઉતાવળ કોનું ભલું કરે? સહજતા મિલનનો તાર છે. ડગ- ડગ માંડી આગળ વધુ છું, મારી ધીરજનો એ પાળ છે. પ્રાર્થનામાં રહે તું વર્ષોથી મારી, માંગ્યું એક નહિ વારંવાર છે. અતિરેક નથી આ એષણા મારી, તું જ મારો એક હકદાર છે. ✍️ સોનલ ટેલર